Sunday, November 1, 2009

જીંદગી જીવી જાણો

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે
તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે

આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે
અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે

મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો
અરે! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો

આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી
અરે! અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પુછ્યું નથી

જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,
આ જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો?

આ દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી
એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.

બસ એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો
નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.

Tuesday, October 13, 2009

તમારા વિના સાંજ

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.

અનુભવ છે દરિયાના તોફાનનો પણ,
આ રેતીમાં નૌકા ખરાબે ચઢી છે.

લખ્યું’તું તમે નામ મારું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.

ઝરી જાય જળ, કે મળે જળસમાધિ,
જુઓ, પાંપણો કુવાકાંઠે ચઢી છે.

ઘણા રૂપ લૈ લૈ ને જન્મે છે સીતા,
હવે લાગણી પણ ચિતા એ ચઢી છે.

જરા ગણગણી લંઉ તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.

- ભગવતીકુમાર શર્મા

Monday, July 13, 2009

Sunday, June 28, 2009

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

-કલાપી

Monday, June 22, 2009

कोई दीवाना कहता है, कोई पागल समझता है !
मगर धरती की बेचैनी को बस बादल समझता है !!
मैं तुझसे दूर कैसा हूँ , तू मुझसे दूर कैसी है !
ये तेरा दिल समझता है या मेरा दिल समझता है !!

मोहब्बत एक एहसासों की पावन सी कहानी है !
कभी कबीरा दीवाना था कभी मीरा दीवानी है !!
यहाँ सब लोग कहते हैं, मेरी आंखों में आँसू हैं !
जो तू समझे तो मोती है, जो ना समझे तो पानी है !!

समंदर पीर का अन्दर है, लेकिन रो नही सकता !
यह आँसू प्यार का मोती है, इसको खो नही सकता !!
मेरी चाहत को दुल्हन तू बना लेना, मगर सुन ले !
जो मेरा हो नही पाया, वो तेरा हो नही सकता !!

भ्रमर कोई कुमुदुनी पर मचल बैठा तो हंगामा!
हमारे दिल में कोई ख्वाब पल बैठा तो हंगामा!!
अभी तक डूब कर सुनते थे सब किस्सा मोहब्बत का!
मैं किस्से को हकीक़त में बदल बैठा तो हंगामा!!

डॉ. कुमार विश्वास

Saturday, June 20, 2009

કંકોતરી

મારી એ કલ્પના હતી, વીસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને,
ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને !
સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે !

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમ-કાવ્યોની કોઇ કિતાબ સમ !
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
શિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.

છે એને ખાતરી કે હું આવું નહીં કદી,
મારી ઉપર સભાને હસાવું નહીં કદી,
દીધેલ કૉલ યાદ અપાવું નહીં કદી,
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી,
દુઃખ છે હજાર, તો ય હજી એ જ ટેક છે,
કંકોતરી નથી, આ અમસ્તો વિવેક છે !

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે-
જ્યારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.
ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી,
તકદીરનું લખાણ છે, કંકોતરી નથી !

કાગળનો એક કટકો છે જોવામાં એમ તો,
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો,
સુંદર, સળંગ રમ્ય છે શોભામાં એમ તો,
છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો,
કોમળ વદનમાં એના, ભલે છે હજાર રૂપ,
મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ !

એને ભલેને પ્રેમથી જોયા નહીં કરું,
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરું,
સંયમમાં હું રહીશ, બળાપા નહીં કરું,
આવેશમાં એ ‘ફૂલ’ ના કટકા નહીં કરું.
આ આખરી ઇજન છે હૃદયની સલામ દઉં,
‘લીલા’ના પ્રેમ-પત્રમાં એને મુકામ દઉં.

‘આસિમ’ ! હવે એ વાત ગઈ, રંગ પણ ગયો,
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો,
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.
હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
એ પારકી બની જશે, હું એનો એ જ છું !

-આસિમ રાંદેરી

તારી યાદ...




વિચારો તારાં, દિલમાં પ્રવેશે છે ક્યારેક,
ને દિલનાં ઉપવન ને રડાવે છે ક્યારેક…

મુલાકાત એ પહેલી કેવી તારી ને મારી,
વર્ષોની તે ચાહત યાદ અપાવે છે ક્યારેક…

તને સ્પર્શીને સુગંધીત થયેલો પવન,
તારી મહેંક લઈ આવે મસ્તીમાં ક્યારેક…

તારું એ હાસ્ય, તારાં એ લજ્જીત મીઠાં બોલ્,
તારાં પ્રેમનું રહસ્ય મને સમજાવે છે ક્યારેક…

તારી એ છટા, વળી એ સાદગી ભરી અદા,
મહેફિલોનાં પ્રાણ એ સજાવે છે ક્યારેક

વરસાદમાં ભીંજાતી એ રંગીન છબી તારી,
મેઘધનુષ્યનાં કમાલ સમજાવે છે ક્યારેક…

તારા કેશનો અંધકાર્, તારી આંખનો ઉજાશ,
દિવસ રાતનો ભેદ પણ ભુલાવે છે ક્યારેક…

તારી હાજરીમાં અનુભવાતી એ ટાઢક,
પુનમ ચંદ્રની ચાંદની ભુલાવે છે ક્યારેક…

પ્રેમ આપણો સફળ થતાં થતાં - ના થયો,
નિષ્ફળતા કારમી તે સતાવે છે ક્યારેક…

તને પ્રેમ કરવાની એ મારી નાનેરી ભુલ,
યાદ આવે ને આંખે ઉમટે દરિયો ક્યારેક...

તું યાદ આવશે

‘હું તો શબ્દોનો ઝંકાર, સાતે સૂર તણો તલસાટ,
જાણે કાવ્ય તણો ઉન્માદ, હું તો ગીતોનો વરસાદ.’

જોઈ લઈશ હું કંઈક તુજ, તું યાદ આવશે.
બસ શ્વાસ શ્વાસ શ્વસું અને તું યાદ આવશે.
ક્યારેક આંખમાં પ્રિયે શ્રાવણ... આવશે.
ઝરમર બધાંએ અશ્રુનો વરસાદ આવશે.
આખાય ઘરમાં એકલી, તું... યાદ આવશે.
હર ક્ષણ હતી તું શોધતો, બસ યાદ આવશે.
ક્યારેક સ્મરણો ‘ભૂલતાં’ તું યાદ આવશે.
દેખીશ ત્હારી કો’ સ્મૃતિ – બસ યાદ આવશે.
પગરવ થશે કો’ સ્વપ્નમાં ને, યાદ આવશે.
જડશે નહિ કો’ ચીજ, ત્યાં તું યાદ આવશે.

‘ચરણરજ હું નમું લેવા, તમે આકાશ થઈ ઉભા,
અમે મળવા બન્યા તારક, તમે બ્રહ્માંડ થઈ બેઠા.’

યાદમાં અટવાય છે, કારણ વગર

યાદમાં અટવાય છે, કારણ વગર


ભર ઉનાળે
વરસ્યો મેઘકોઈ
કારણ હશે ?

કેમ મારું મન અધીરું થાય છે કારણ વગર ?
લાગે છે, તું યાદમાં અટવાય છે કારણ વગર.

તું હૃદયમાં એમ ફરકી જાય છે કારણ વગર,
જેમ નભમાં વીજળી ચમકાય છે કારણ વગર.

એમ તો, શોધી મળે નહીં ક્યાંય તું આયાસથી,
ને કદી કણકણમાં તું દેખાય છે કારણ વગર.

કેટલી કોશિશ કરું તું યાદ નહીં આવે મને !
પણ છતાંયે ધ્યાન લાગી જાય છે કારણ વગર.

મેં તને પૂરી કવનનાં શબ્દમાં મોઘમ, સખી !
તોયે આવી ટેરવે ટકરાય છે કારણ વગર...

બચપણ …. - કૈલાસ પંડિત


કવિ : કૈલાસ પંડિત
સ્વર : મનહર ઉધાસ


ઘરની સઘળી વસ્તુ મરી ગઇ
બહુ સુના છે ઘરના ખૂણા
શાંત ઉભા છે દ્વારના પડદા
બંધ પડ્યા છે મેજના ખાનાં
રોઇ રહ્યા છે સઘળા રમકડાં

સ્વચ્છ પડેલી ભીંતો ઘરની, લાગે જાણે વિધવા થઇ ગઇ
બિસ્તર કેરી ચાદર જાણે, બાળ વિહોણી માતા થઇ ગઇ

આખો દિ’ ઘર આખા ને બસ માથે લઇ ને ફરતો’તો
વસ્તુ ઘરની ઉલટી-સીધી, અમથો અમથો કરતો’તો
પેન લખોટી ચાકના ટુકડા ખિસ્સામાહેં ભરતો’તો
જુના પત્તા રેલ ટિકિટને મમતાથી સંઘરતો’તો

કોઇ દિ’ મેં શોધી નો’તી, તો યે ખુશીઓ મળતી’તી
લાદી ઉપર સૂતો તો ને આંખો મારી ઢળતી’તી
મારી વાતો દુનિયા આખી મમતાથી સાંભળતી’તી

ખળખળ વહેતા ઠંડા જળમાં છબછબિયાં મેં કિધા’તા
મારા કપડાં મારા હાથે ભીંજવી મેં તો લીધા’તા
સાગર કેરા ખારા પાણી કંઇક વખત મેં પીધા’તા
કોણે આવા સુંદર દિવસો બચપણ માંહે દિઘા’તા

સૂના થયેલા ખૂણા સામે વિહ્વળ થઇને નીરખું છું
શાંત ઉભેલા પડદાને હું મારા ફરતે વીટું છું
ઘરની સઘળી ભીતોંને હું હળવેથી પંપાળું છું
ખોવાયેલા વર્ષોને હું મારા ઘરમાં શોધું છું

ક્યાં ખોવાયું બચપણ મારું ક્યાંકથી શોધી કાઢો
મીઠાં મીઠાં સપનાઓની દુનિયા પાછી લાવો
મોટર બંગલા લઇલો મારા, લઇલો વૈભવ પાછો
પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછા આપો