Tuesday, September 21, 2010

મારી ક્યાં ના છે

દિલ તમને આપવાની મારી ક્યાં ના છે,

લાગણીઓને માપવાની મારી ક્યાં ના છે,

તું પ્રેમ આપે કે આપે જખ્મો ની ભેટ,

જે મળે તે સ્વીકારવાની મારી ક્યાં ના છે,

તારી ખુશીમાં મારી ખુશી રહેલી છે,

તું જીતે દાવ તો હારવાની મારી ક્યાં ના છે,

કરી લેજે ખાત્રી મારા પ્રેમની,

હથેળી માં હૈયું મૂકવાની મારી ક્યાં ના છે,

હાથ જાલો તો મજધારે ના છોડશો,

મોત સુધી સાથ આપવાની મારી ક્યાં ના છે.

અરે દોસ્ત તું ક્યાં જાય છે?

દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે,
દિવાળી હોય કે હોળી, બધું ઓફીસમાં જ ઉજવાય છે.
આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે,
લગ્નની મળે કંકોત્રી ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?.....

પાંચ આંકડાનો પગાર છે, પણ પોતાના માટે પાંચ મીનીટ પણ ક્યાં વપરાય છે?
પત્નીનો ફોન બે મિનીટમાં કાપીએ પણ ક્લાયન્ટનો કોલ ક્યાં કપાય છે?
ફોનબુક ભરી છે મિત્રોથી પણ કોઇનાય ઘેર ક્યાં જવાય છે?
હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?....

કોઇને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે?
થાકેલા છે બધા છતાં, લોકો ચાલતા જ જાય છે.
કોઇક ને સામે રૂપિયા તો કોઇક ને ડોલર દેખાય છે.
તમે જ કહો મિત્રો શું આને જ જીંદગી કહેવાય છે?
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?....

બદલાતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે.
આવનારી પેઢી પુછશે, સંસ્કૃતિ કોને કહેવાય છે?
એક વાર તો દિલને સાંભળો, બાકી મન તો કાયમ મુંઝાય છે.
ચાલો જલદી નિર્ણય લઇએ, હજુ ય સમય બાકી દેખાય છે.
દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે..

Sunday, May 9, 2010

કવિતા

જ્યારે એ
મારા બાહુમાં પાછો આવશે
ત્યારે કોઈએ
કદીયે ન કરાવ્યો હોય
એવો અનુભવ કરાવીશ

જ્યાં ને ત્યાં
પ્રત્યેક સ્થળે
હું એનામાં ઓગળતી જઈશ

નવા ઘડાતા ઘડાની માટીમાં
જળની જેમ.

(અનામી - સંસ્કૃત)
-અનુવાદ: સુરેશ દલાલ

Sunday, November 1, 2009

જીંદગી જીવી જાણો

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે
તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે

આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે
અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે

મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો
અરે! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો

આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી
અરે! અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પુછ્યું નથી

જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,
આ જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો?

આ દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી
એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.

બસ એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો
નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.

Tuesday, October 13, 2009

તમારા વિના સાંજ

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.

અનુભવ છે દરિયાના તોફાનનો પણ,
આ રેતીમાં નૌકા ખરાબે ચઢી છે.

લખ્યું’તું તમે નામ મારું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.

ઝરી જાય જળ, કે મળે જળસમાધિ,
જુઓ, પાંપણો કુવાકાંઠે ચઢી છે.

ઘણા રૂપ લૈ લૈ ને જન્મે છે સીતા,
હવે લાગણી પણ ચિતા એ ચઢી છે.

જરા ગણગણી લંઉ તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.

- ભગવતીકુમાર શર્મા

Monday, July 13, 2009

Sunday, June 28, 2009

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

-કલાપી